હવે સાઉદી અરેબિયાએ હજ યાત્રા પરના કેટલાક પ્રતિબંધો હટાવ્યા છે. આ વર્ષે 5000 થી વધુ ભારતીય મુસ્લિમ મહિલાઓ પણ મેહરમ વગર હજ પર જઈ શકશે.
સાઉદી અરેબિયામાં દર વર્ષે યોજાતી હજ માટે વિશ્વભરમાંથી લાખો મુસ્લિમો પહોંચે છે. છેલ્લા 2 વર્ષથી, કોરોનાવાયરસ ને લઈને ઘણા નિયંત્રણો હતા. આ સાથે હવે સાઉદી અરેબિયાએ હજ યાત્રા પરથી કેટલાક પ્રતિબંધો હટાવ્યા છે. એ દરમિયાન, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શનિવારે માહિતી આપી હતી કે આ વર્ષે યોજાનારી હજ (Hajj 2022) માટે લગભગ 80,000 ભારતીયોનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ માહિતી આપી છે કે આ વર્ષે 5000થી વધુ મુસ્લિમ મહિલાઓ પણ મેહરમ વગર હજ પર જઈ શકશે. મતલબ કે મહિલાઓ લોહીના સંબંધ વિનાની વ્યક્તિ સાથે પણ હજ કરી શકશે. નકવીએ કહ્યું છે કે ઈન્ડોનેશિયા પછી ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં હજ યાત્રીઓને મોકલે છે. તેમણે કહ્યું છે કે સરકાર આ માટે તમામ વ્યવસ્થા કરી રહી છે. રસીકરણ, RT-PCR ટેસ્ટ મેનેજમેન્ટનું કામ હજ માટે દેશમાં સ્થાપિત કરાયેલા તમામ કેન્દ્રોમાં કરવામાં આવી રહ્યું છે.
90 હજારથી વધુ અરજીઓ મળી
મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે આ વર્ષે હજ માટે દેશમાં અત્યાર સુધીમાં 90 હજારથી વધુ અરજીઓ સરકારને મળી છે. આ વખતે દેશના દસ શહેરોને હજ કરવા માટે કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં મુંબઈ, દિલ્હી, લખનૌ, અમદાવાદ, ગુવાહાટી, શ્રીનગર, કોચી, હૈદરાબાદ અને બેંગ્લોરનો સમાવેશ થાય છે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પ્રતિબંધ છે
તે જ સમયે, સાઉદી અરેબિયા દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી અનુસાર, આ વર્ષે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો હજ યાત્રા પર જઈ શકશે નહીં. તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હજને લઈને સાઉદી મંત્રાલયે કહ્યું છે કે વિદેશથી આવતા લોકોએ નેગેટિવ કોરોના ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે. આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક અન્ય સાવચેતીઓ પણ રાખવી પડશે.
સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ માહિતી આપી છે કે હજ યાત્રીઓની તમામ તૈયારીઓ સરકારી સ્તરે કરવામાં આવી છે. આ સાથે હજ ડ્યુટી માટે રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના ઈન્ટરવ્યુ લેવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. સાઉદી સરકારે હજ પર આવતા લોકો માટે રસીના બંને ડોઝ ફરજિયાત બનાવ્યા છે.